(Photo by Tim P. Whitby/Getty Images)
અમિતાભ બચ્ચને તાજેતરમાં પોતાનો ‘પ્રતિક્ષા’ બંગલો દીકરી શ્વેતા બચ્ચન નંદાને ભેટમાં આપ્યો ત્યારથી તેઓ વધુ ચર્ચામાં છે. તેમણે થોડા વર્ષો પહેલા ‘કૌન બનેગા કરોડપતિ’ના મંચ પર સંપત્તિની સમાન વહેચણી અંગે જે નિવેદન આપ્યું હતું, તેની પણ ચર્ચા થઇ રહી છે.
1969માં ‘સાત હિન્દુસ્તાની’ ફિલ્મથી પોતાની અભિનય કારકિર્દી શરૂ કરનાર અમિતાભ બચ્ચને છ દાયકાથી પણ વધુ સમય બોલીવૂડમાં પસાર કર્યો છે. દરેક વ્યક્તિ ચોક્કસપણે આ વાત સાથે સંમત થશે કે તેમણે તેમની કારકિર્દીમાં સખત પરિશ્રમ કર્યો છે. દીવાર, શોલે, ડોન, કુલી, જંઝીર, શરાબી, શહેનશાહ વગેરે ફિલ્મો દ્વારા તેમણે ભારતીય દર્શકોના હૃદયમાં સ્થાન મેળવ્યું છે. અત્યારે 80 વર્ષની ઉંમરે પણ તેઓ સરેરાશ 10થી 12 કલાક કામ કરે છે. તેઓ ફિલ્મો તથા ટીવી બંને પડદે સક્રીય છે.
બોલીવૂડમાં છ દાયકા વિતાવ્યા પછી તેમણે તેમણે ઘણી મિલ્કત એકત્ર કરી હોય તે સ્વાભાવિક છે. તેમણે ઘણા વર્ષો અગાઉ ‘કૌન બનેગા કરોડપતિ’ શોમાં જણાવ્યું હતું કે તેઓ તેમના બંને સંતાનો અભિષેક અને શ્વેતા બંને વચ્ચે તેમની મિલકતની સમાન વહેચણી કરશે. તેમણે આ વાત ટ્વીટર પણ જણાવી હતી. તેઓ વર્ષોથી પોતાના પરિવાર સાથે ‘જલસા’ બંગલોમાં રહે છે.
અમિતાભ પાસે મુંબઇમાં ‘જનક’ બંગલો પણ છે. બચ્ચનની કુલ સંપત્તિ અંદાજે રૂ. 3300 કરોડની હોવાનું માનવામાં આવે છે. તેમની આવકનો સૌથી મોટો સ્ત્રોત ફિલ્મો છે. તેઓ એક ફિલ્મ માટે રૂ. છ કરોડની ફી લે છે તેવું કહેવાય છે. ‘બ્રહ્માસ્ત્ર’ માટે તેમણે 8થી 10 કરોડ રૂપિયા લીધા હતા. કૌન બનેગા કરોડપતિના હોસ્ટ તરીકે પણ તેઓ ખૂબ જ તગડી રકમ વસૂલે છે. આ ઉપરાંત ફ્લિપકાર્ટ, કલ્યાણ જ્વેલર્સ સહિતની બ્રાન્ડ પ્રમોશન્સથી તેઓ 5થી 8 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
અમિતાભ બચ્ચન આધુનિક કારના શોખીન હોવાથી તેમની પાસે બેન્ટલી, રોલ્સ રોયસ, ઔડી સહિતની લક્ઝુરિયસ કારનો કાફલો છે. તેમની પાસે અંદાજે 260 કરોડનું પ્રાઇવેટ જેટ વિમાન પણ છે. તેમની પાસે બેન્ટલી કોન્ટિનેન્ટલ જીટી કાર છે, જેની કિંમત રૂ. 3.29થી રૂ. 4.04 કરોડ છે, રોલ્સ રોયસ ફેન્ટમ કારની કિંમત રૂ. 8.99 કરોડ, લેક્સસ એલએક્સ 570 કારની કિંમત રૂ. 2.32 કરોડ અને ઔડી A8L કાર જેની કિંમત રૂ. 1.64 થી રૂ. 1.94 કરોડની વચ્ચે હોવાનું માનવામાં આવે છે.

LEAVE A REPLY

2 + 17 =